ભારતનું સૌથી રહસ્યમય ગામ “કુલધરા” : રાજસ્થાન
માત્ર એક જ રાતમાં કોઈ સમૃદ્ધ ગામનાં બધા રહેવાસીઓ હવામાં કે જમીનમાં ઓગળી જાય એવું માની શકો ખરા ?
જવાબ નકારમાં જ હોવાનો !
પણ અજ્ઞાત રહસ્યોથી ભરપૂર આ લેખ વાંચ્યા પછી પોતાનો જવાબ બદલવાની તૈયારી રાખજો…
કારણકે આવું થયું છે, અને જ્યાં થયું છે, ત્યાં સાબિતી આપવા આજે એ ગામની ભૂખી ભૂતાવળ બેઠી છે.
રંગીલું રાજસ્થાન, અહીં એક તરફ ભવ્યાતિભવ્ય મહેલો છે, તો બીજી તરફ સદીઓથી વિરાન પડેલા કિલ્લાઓ. એક તરફ આધુનિક શહેરોની ચમક દમક છે, તો બીજી તરફ એકલવાયા નગરો-ગામોના બોલતાં ઇતિહાસ સમા અવશેષો… ! રાજપૂતોની, સૂરમાઓની આ ધરતી જેટલી દેખાય છે એટલી શુષ્ક નથી, કારણકે સૂકીભઠ્ઠ રેતીના જાડા થરમાં (અનેથાર નામના રણમાં પણ !) આ પ્રદેશ અનેક રહસ્યો છૂપાવી બેઠું છે ! આવું જ એક રહસ્યમય ગામ એટલે કુલધરા, નામ સાંભળ્યું છે ? ન સાંભળ્યું હોય તો પણ ફિકર નોટ ! આજે આપણે ‘કલ્પના એક્સપ્રેસ’માં બેસીને રૂબરૂ ત્યાં જવાના છીએ… વર્ષો જૂનો ભૂતકાળ ઉખેડીને એ રહસ્ય સુધી પહોંચવાના છીએ, જેને લીધે આ ગામ વિરાન બન્યું-શાપિત બન્યું ! શરૂઆતથી અંત સુધી જકડી રાખતો આ અત્યંત રોમાંચક લેખ વાંચીને વિચારોના ચકડોળે ચડી જાવ તો કદાચ એવુંય બને કે મનોમન અગોચરના દર્શન થઇ જાય ! તો દિલ થામ કે બૈઠીએ, અનેકની રાતોની ઊંઘ હરામ કરનારું રહસ્ય પ્રગટ થઇ રહ્યું છે…… !!
કુલધરા, જેસલમેરથી 18 કિલોમીટરના અંતરે આવેલું ગામછે, જ્યાં માણસોનો વસવાટ વર્જ્ય છે. એક શ્રાપના કુપ્રતાપે એક સમયનું હસતું-રમતું આ સમૃદ્ધ ગામ આજે સૂનકારમાં પોતાના કલંકિત ભૂતકાળના ડાકલાં વગાડતું બેઠું છે. ભારતના સૌથી ભૂતિયા સ્થળોમાં ઉપરનો ક્રમ ભોગવતું કુલધરા જયારે બન્યું ત્યારે પણ સામાન્ય ન હતું, અને અત્યારે પણ નથી ! એટલે જ રાજસ્થાનઆવતાં પ્રવાસીઓ અને પેરાનોર્મલ એક્ટીવીટીના તજજ્ઞોનું તે માનીતું ગામ છે. અનેક પત્રકારો અને ‘ભૂતોના વૈજ્ઞાનિકો’ અહીં પડ્યાં પાથર્યા રહે છે, એ આશામાં કે ક્યાંક, કોઈ કડી મળી જાય અને કુલધરાની ખરી ‘કુંડળી’ દુનિયા સામે છતી કરી શકાય. અલબત્ત કુંડળી તો હજી મળી નથી, પણ અમુક એવા તથ્યો જરૂર સામે આવ્યા છે કે જેમને અવિશ્વસનીય કહેવામાં જરા પણ અતિશયોક્તિ નથી !
સન ૧૨૯૧નું વર્ષ હતું. રાજસ્થાનમાં આવેલો થારનો રણપ્રદેશ સૂરજનો આકરો તડકો વેઠીને બદલામાં ચામડીને દઝાડતી ગરમ લૂ ફેંકી રહ્યો હતો.
જેસલમેરથી થોડે દૂર વિરાન પટ પર ઊંટોના પગલાંની ભાત પડી રહી હતી. પાલી પ્રદેશથી સ્થળાંતર કરીને આવેલો એક નાનકડો કાફલો રણને ચીરતો આગળ વધ્યેજતો હતો. તેમનો મકસદ રહેવા માટે નવી જગ્યા શોધવાનો હતો. સતત મુસાફરી કરીને થાકેલો કાફલો પોરો ખાવા માટે થોભ્યો.
ભઠ્ઠ તડકામાં શરીરનું નૂરહણાતુંજતું હતું. તેમની પાસે રહેલા પાણીનો જથ્થો પણ હવે ખૂટવા આવ્યો હતો. હવે ક્યાંકથી પાણીનો મેળ તો કરવો જ રહ્યો. પણ આવા ધીખતા રણમાં પાણી ? અઘરી વાત હતી. છતાં અહીં કોઈ મવેશી કે વણઝારાની પલટણે પડાવ નાખ્યો હોય, તો એમની પાસેથી પાણી મળી જાય, એ આશાએ કાફલાના આગેવાને પાણીની શોધખોળ કરવા માટે એક માણસ દોડાવ્યો. જોકેસંભાવનાઓછી હતી. અડધો એક કલાક રહીને પેલો માણસ દોડતો દોડતો પાછો આવ્યો. તેના હાથ ખાલી હતાં છતાં ચહેરા પર અજબ ઉત્સાહ હતો. સરદારે પાણી વિશે પૂછપરછ કરી, તો તેણે જણાવ્યું કે થોડે દૂર પાણીથી છલોછલ એક નદી વહી રહી છે. કાફલાના દરેક સભ્યના મોઢા પર અવિશ્વાસ મિશ્રિત આશ્ચર્ય હતું.
જ્યાં પરસેવાનું ટીપું જમીન પર પડે એના પહેલાં જ બાષ્પમા ફેરવાઈ જાય એવી જગ્યાએ આટલું બધું પાણી ? ન હોય ! છતાં પેલો માણસ પોતાની વાત પર અડગ રહ્યો, તેથી બધાએ એ જગ્યાએ જઈને જાતે ખરાઈ કરવાનું નક્કી કર્યું. બોરિયાં બિસ્તર ત્યાં જ મૂકીને આગેવાન અને તેની સાથે કાફલાના અમુક માણસો એ જગ્યાએ પહોંચ્યા. ત્યાં જઈને તેમણે જે દ્રશ્ય જોયું એ ખરેખર ‘રણમાં મીઠી વીરડી’ સમાન હતું. સામે પાણીથી ભરેલી નદી વહી રહી હતી. તેની આસપાસ સાધારણ એવા ઝાડી ઝાંખરા ઉગી નીકળ્યા હતા. બધાએ પેટ ભરીને પાણી પીધું, થોડું અન્ય તરસ્યા સાથીદારો માટે પણ લઇ લીધું.
હવે કાફલાના આગેવાનનો ચરખા જેવો મગજ કામે લાગ્યો. રણમાં તો પાણી સડસડાટ જમીનમાં ઉતરી જાય અને બાકી બચેલું બાષ્પીભવન પામી જાય ! પણ અહીં પાણી હજી સાબૂત હતું, મતલબ કે જમીનની નીચે કશુંક એવું હતું જેને લીધે પાણી સાવ તળમાં ઉતરી જવાને બદલે અમુક ઊંડાઈ સુધી જ જતું હતું… ‘હાયલા ! જાદુને તો કમાલ કર દિયા !’ જેવો તાલ થયો. જોકે ખરેખરો ‘જાદુ’ જીપ્સમનો હતો. ગુજરાતીમાં ચિરોડી તરીકે પણ ઓળખાતું એ તત્વ કુલધરાની જમીનમાં ભરપૂર પ્રમાણમાં હતું. જીપ્સમનું સ્તર પાણીને કોઈ નિશ્ચિત ઊંડાઈ સુધી સંઘરી રાખે છે અને વધુ ઊંડે જવા દેતું નથી, તેથી જળસંચય માટે તે ઉપયોગી છે. કુલધરામાં આ વ્યવસ્થા કુદરતી હતી.
આગળ વધીને અનિશ્ચિત મુદ્દત સુધી ભટકવાને બદલે કાફલાએ ત્યાં જ વસી જવાનું નક્કી કર્યું. એ લોકો બ્રાહ્મણ હતાં, ઉપરથી પાલીના રહેવાસીઓ હતાં, તેથી તેઓ પાલીવાલ બ્રાહ્મણ તરીકે ઓળખાયાં.ઇતિહાસકારલક્ષ્મીચંદના ‘તવારીખ-એ-જેસલમેર’ નામના પુસ્તકમાં લખેલું છે તેમ અહીં વસનાર પહેલો માણસ કધાન નામનો બ્રાહ્મણ હતો, જેણે પાછળથી અહીં ઉધાનસર નામનું તળાવ બંધાવ્યું હતું. અમુક દસ્તાવેજો પ્રમાણે પાલીવાલ બ્રાહ્મણોના કુલધર જાતિ સમૂહે આ ગામ વસાવ્યું હતું તેથી તેને કુલધરા કહેવાય છે. કેટલાક તેને કુલધારા કે કુલધાર પણ કહે છે. ખેર, નામ મે ક્યા રખા હૈ, ગામ મે રખા હૈ !!
પાલીવાલ બ્રાહ્મણો એટલે સુવિકસિત પ્રજા..
કુલધરાની બંજર ભૂમિ પર તેમણે પોતાની અક્કલ અને વિધાનો ભરપૂર ઇસ્તેમાલ કર્યો. ઉજ્જડ જમીન પર ઉત્કૃષ્ટ સિંચાઇ વ્યવસ્થા સ્થાપી અને પરિણામે દર વર્ષે મબલક પાક ઉતરવાનું શરુ થયું. જુવાર, ઘઉં અને ચણા જેવા અનાજ-કઠોળ અહીં મુખ્ય પ્રમાણમાં ઉગાડવામાં આવતાં ! રણમાં આવી ફસલો લેવાતી હોવાનું માની શકો ? છતાં પાલીવાલો માટે આ રમત વાત હતી. તેઓ ગણિત તથા વાસ્તુશાસ્ત્રના પણ સારા જાણકાર હતાં.
અમુક મકાનો મોટાં હતાં અને બાકીના સામાન્ય બનાવટના, છતાં બધા મકાનો ઝરૂખાની મદદથી એકબીજા સાથે જોડાયેલા રહેતાં. એક છેડે આવેલા ઘરમાંથી કોઈએ સંદેશો મોકલ્યો હોય, તો તે તરત બીજા છેડે આવેલા ઘર સુધી પહોંચી જતો.
ગામની રચના એવી રીતે કરવામાં આવી હતી, કે ગામ બહારથી આવતો કોઈ પણ અવાજ સામાન્યથી ચાર ગણી વધુ ઝડપે ગામમાં પહોંચતો, તેથી કોઈ મુશ્કેલી કે બાહરી આક્રમણ સમયે લોકો પહેલેથી જ ચેતી શકે ! હવા સીધી ઘરોમાંથી પસાર થઈને નીકળે એ રીતે ઘરોનું ચણતર કરવામાં આવ્યું હતું. જેને લીધે 45 ડિગ્રી તાપમાનમાં પણ અહીંના ઘરોમાં ઠંડક રહેતી.અહીં માટીના વાસણો અને અમુક અલંકૃત ચીજવસ્તુઓ પણ મળી છે. પાલીવાલ બ્રહ્મણોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલનનો, તેથી અહીં અનેક કૂવાઓ, એક વાવ, અને એક કૃત્રિમ ડેમ જેવું (જેને ખડીન કહેવાય છે) બનાવવામાં આવ્યું હતું. આવી અદભુત સવલતો પાલીવાલ બ્રાહ્મણોની બૌદ્ધિક સક્ષમતાની નક્કર સાબિતીઓ છે. આ બધા ઉપરાંત પણ બીજી એક ચીજ હતી જેને લીધે અહીંના પાલીવાલ બ્રાહ્મણ બધાથી જુદા તરી આવતા. એવું કહેવાતું કે તેમણે ઘણી અગોચર શક્તિઓ અને પરલૌકિક તાકતોને પોતાના વશમાં કરેલી હતી !
સમય વીતવાની સાથે કુલધરાની આસપાસ બીજા 83 ગામો વસ્યા. કુલધરાની પ્રસિદ્ધિમાં પણ વધારો થતો ગયો. દૂરદરાજના પ્રદેશો સાથે તેનો વેપાર ચાલતો. સમૃદ્ધિની અહીં છોળો ઉડવા માંડી. આશરે છસ્સો વર્ષ સુધી આ ગામમાં બધું‘આલઇઝવેલ’ચાલતું આવ્યું… પણ આખરે તેના પર પણ પનોતી બેઠી ! કુલધરાની સમૃદ્ધિ અને પ્રસિદ્ધિ એક માણસને આંખમાં કણાની માફક ખૂંચી રહી હતી.
એ માણસ એટલે જેસલમેરનો દીવાન સલીમસિંહ (ખરેખર તો એનું નામ ઝાલીમ સિંહ હોવું જોઈતું હતું.. ખેર, ફઈએ પાડ્યું તે સાચું !) સલીમસિંહ ધૂની સ્વભાવવાળો માણસ હતો. કઈ રીતે કુલધરાની અપાર સંપત્તિ ઘરભેગી કરવી એ વિશે જ તે વિચારતો રહેતો.
એક દિવસની વાત છે. સલીમસિંહ કુલધરા ગામની મુલાકાતે આવ્યો હતો. તે પોતાના હજુરીયાઓ સાથે ગામમાં ફરી રહ્યો હતો અને તેની જાહોજલાલી જોઈને મનોમન સળગી રહ્યો હતો. અચાનક તેની નજર એક યુવાન છોકરી પર પડી. બસ, પડી તે પડી, પછી જાણે ત્યાંથી હટી જ નહીં ! સદીઓથી બનતું આવ્યું હતું તેમ એક ક્રૂર સત્તાધીશ ફરીવાર નમણી રૂપ લાવણ્યા સામે ઘૂંટણિયે પડી ગયો !! એક કુમળું ફૂલ, કે જે હજી હમણાં જ ખીલ્યું હતું, એને પોતાની હવસ તળે મસળી નાખવાની તેને વિકૃત ચટપટી થવા માંડી.
જોકે આખરે તો એ દીવાન હતો. જેસલમેર રિયાસતનો દીવાન, તેથી તેનો હુકમ તો તેની પ્રજાએ માનવો જ પડે ! થોડાજ દિવસોમાંદીવાન સલીમસિંહનો માણસ કુલધરા પહોંચ્યો. મુખી અને એ ગામના અન્ય શ્રેષ્ઠીઓને બોલાવ્યા અને પેલી છોકરીને દીવાન સાથે પરણાવવાની વાત કરી. વિવિધ લાલચો આપી, અને હુકમનો અનાદર થયે ખરાબ પરિણામો ભોગવવા તૈયાર રહેવાની ધમકી પણ આપી દીધી !
ગામલોકો માટે આ બધું આઘાતજનક હતું. છતાં તેમણે સાનમાં કામ લીધું. છોકરીના પિતાને (જે સંભવત: પૂજારી હતાં) બોલાવવામાં આવ્યાં. પાલીવાલ બ્રાહ્મણોમાં સગોત્ર લગ્નનો રિવાજ હતો, ગોત્ર બહારના લગ્ન અસ્વીકાર્ય હતાં. આ જ કારણ આગળ ધરીને તેમણે આ સંબંધ માટે નામરજી દર્શાવી. બીજું કારણ કદાચ એ પણ હતું કે સલીમસિંહ સાથે સંબંધ વધારવા એટલે ઝેરી સાપને દૂધ પીવડાવવા બરાબર હતું એ વાત કુલધરાના નિવાસીઓ સારી રીતે સમજતા હતાં. ગમે તે હોય, પણ દૂતને સમજાવીને તેમણે પાછો મોકલ્યો.
વળતો સંદેશો લઈને દૂત સલીમસિંહ પાસે પહોંચ્યો. સ્વાભાવિક રીતે જ સલીમસિંહનો પ્રત્યાઘાત જલદ આવ્યો. તેણે બદલો લેવા કુલધરા પર ભારે કર લાદયો. તોબા પોકારી જવાય એટલો કર ભરવો કુલધરાવાસીઓ માટે મુશ્કેલ હતું, છતાં તેઓ અડગ રહ્યા. સલીમસિંહના એ પગલાંની ખાસ અસર ન થઇ તેથી તે ધૂંધવાઈ ઉઠ્યો, પણ તે હવે પીછેહટ કરે એમ ન હતો. તેણે ફરી ગામજોગ ચેતવણી આપી કે આગલી પૂર્ણિમા સુધી જો તેઓ એ છોકરીના લગ્ન સલીમસિંહ સાથે નહીં કરે, તો તે ગામ પર આક્રમણ કરીને પેલી છોકરીને ઉઠાવી જશે ! એક અદની છોકરી માટે પોતાની જ રિયાસતના સૌથી વધુ કમાઉ ગામ પર આક્રમણ કરવું મૂર્ખાઈ કહેવાય, છતાં એ દીવાન હવે આ બધું વિચારવાની શક્તિ ખોઈ બેઠો હતો, તેને તો બસ કોઈ પણ રીતે પોતાની જીદ પૂરી કરવી હતી.
સત્તાના મદમાં સલીમસિંહ એક વાત ભૂલી ગયો, કે આ વખતે તેનો પનારો પાલીવાલ બ્રાહ્મણો સાથે પડ્યો હતો. સ્વમાન માટે પોતાનું માથું ઉતારી દે એવી એ પ્રજા એક ક્રૂર માંગણી સામે થોડી ઝૂકવાની હતી ! કુલધરા અને આસપાસના અન્ય 83 ગામોના આગેવાનોની બેઠક મળી. સૌએ દિવાનને તાબે થવાને બદલે ગામ છોડી જવાનું નક્કી કર્યું. માત્ર એકછોકરી માટે 84 ગામના લોકો પોતાનું ઘર, વતન, રોજગાર છોડી દે એ કેવું ? આજના સમાજની પરિસ્થિતી જોતાં તો તેમની માનસિકતાને આપણાથી હજાર પાયરી ઊંચી ગણવી રહી.
સ્થળાંતર માટે પૂર્ણિમાની રાત નક્કી થઈ. જોકે સલીમસિંહને સબક શિખવાડવાનું હજી બાકી હતું. કુલધરા પાછા ફર્યા પછી છંછેડાયેલા પાલીવાલોએ જે કર્યું એની અસર ત્યાં આજ સુધી અનુભવાય છે. તેઓ તો એ ગામ છોડી જ દેવાના હતા, પણ ભવિષ્યમાં બીજો કોઈ અહીં વસી ન શકે એટલા માટે તેમણે તંત્ર-મંત્રનો પ્રયોગ કર્યો. છેવટના દિવસોમાં કુલધરા કોઈ ગૂઢ મંત્રજાપથી ગૂંજી ઉઠ્યું. અનેક વિધિઓ થઇ, આહવાનો કરવામાં આવ્યાં… એ બધું અગોચર શક્તિઓને બોલાવવા માટે અને કુલધરામાં એમને વસાવવા માટે હતું… એ શક્તિઓને પ્રતાપે કુલધરા હંમેશ માટે વિરાન બની જવાનું હતું !
પૂનમની રાત હતી. શીતળ ચાંદની દાઝેલા રણ પર મલમ બનીને વરસી રહી હતી… છતાં આજે કુલધરાની ધરતી અશાંત હતી. અહીંના સૌથી સમૃદ્ધ લોકો પોતાના વતનને-અહીંની બેજોડ સમૃદ્ધિને હંમેશ માટે છોડીને જઈ રહ્યા હતા. તેમણે માત્ર જરૂર પૂરતી ચીજો જ સાથે લીધી હતી. બાકીનો સામાન અને ઘરવખરી ત્યાં જ રહેવા દીધી હતી, નાનકડા અને માંદા ઢોરોને પણ ત્યાં જ છોડી દેવાં પડ્યાં હતાં… સલીમસિંહ કુલધરા પર આક્રમણ કરે એ પહેલા જ કુલધરા અને તેની આસપાસના અન્ય 83 ગામ ઉજ્જડ થઇ ગયા, રાતોરાત !!
પાલીવાલ બ્રાહ્મણોએ સામુહિક રીતે ગામ છોડ્યું એ વર્ષ 1825નું હતું. અહીંથી નિકળીને તેઓ ક્યાં ગયા, એ કોઈ નથી જાણતું… ! તેમના પછી કુલધરામાં પણ કોઈ વસી નથી શક્યું. સમય સાથે બીજા 82 ગામોના જખમ ભરાઈ ગયા. લોકો ફરીથી અહીં આવીને વસવાટ કરવા લાગ્યા, પણ બે ગામ હંમેશ માટે ખંડેર જ રહ્યાં. એક કુલધરા અને બીજો ખાબા ફોર્ટ. અનેક લોકોએ અહીં વસવાની કોશિશો કરી જોઈ પણ કોઈને કોઈ કારણોસર તેમણે ગામ છોડીને જવું જ પડ્યું,
સ્થાનિકઅમલદારોનીપણઆગામનેફરી‘જીવતુંકરવાની’બધીકોશિશોવિફળગઈ.. એ કારણ ભૂતોનું હોય કે બીજું એ તો ભગવાનને ખબર, પણ કુછ તો લોચા ઝરૂર હૈ ! (કુલધરાથી આશરે 35 કિલોમીટર દૂર આવેલો ખાબા ફોર્ટ પણ અત્યારે પર્યટન સ્થળ તરીકે વિકસી રહ્યો છે….)
અમુક ઇતિહાસકારો અને નિષ્ણાતો કુલધરાના પતન માટે સલીમસિંહને બેકસૂર ઠરાવતાં કહે છે કે કુલધરાનું પતન દુષ્કાળના લીધે થયું. પાણીની અછતને લીધે ખેતી ઘટી, કુલધરાના લોકોની આવકનો તો મુખ્ય સ્ત્રોત જ ખેતી હતી, જે છેવટે ન રહેતાં તેમણે ધીમે ધીમે ગામ છોડી દીધું. અમુક વળી કુલધરાના ઉજ્જડ બનવા માટે ધરતીકંપને જવાબદાર માને છે. એમના મત મુજબ ત્યાંના ખંડેરોની આવી હાલત ધરતીકંપના જોરદાર આંચકા વગર શક્ય નથી…
આ બધા સામે વળતી દલીલ કરવાનું મન થાય, કે જો કુલધરા પાણીની અછતને લીધે ઉજડયું, તો આટલાં વર્ષ થોડી રાજસ્થાનમાં પાણીની બારેમાસ નદીઓ વહેતી હતી ? દુકાળ તો અહીં ઘર જમાઈની જેમ પાથર્યો રહે છે. ઉપરાંત કુલધરામાં સિંચાઈની વ્યવસ્થા બેજોડ હતી.. તો પછી ? પછી શું, દુકાળ સામે પોપટલાલનો પેલો જાણીતો ડાયલોગ વાપરવો રહ્યો !! હવે જો ભૂકંપ વાળી થિયરી સાચી હોય, તો અહીં દટાઈને મરેલાં લોકોના શબ કેમ નથી મળ્યા ? એક વાત નોંધવી રહી કે કુલધરાને જે હાલતમાં ત્યજવામાં આવ્યું હતું, અત્યારે પણ તે એ જ હાલતમાં ઉભું છે. ઘરવખરી, તૂટેલા ગાડાઓ, વાસણો (અનેસાથેસાથેદટાયેલોખજાનોપણ !)બધું જેમનું તેમ જ છે, મતલબ કે અહીં કોઈની બાહરી ખલેલ પહોંચી નથી, તેથી જો ધરતીકંપ આવ્યો હોય, તો તેમાં મરેલાં લોકોના શવ પણ જેમના તેમ હોવા જોઈએ ને, પણ નથી ! હા પાલીવાલ બ્રાહ્મણોના ગામ છોડી ગયા પછી કદાચ ધરતીકંપ આવેલો હોઈ શકે એ અલગ વાત છે… તો ? ફિર વહી… યે ભી કેંસલ !!
કુલધરાની બહાર પ્રશાસને ગેટ બનાવ્યો છે, જેના પર એક ચોકીદાર તૈનાત રહે છે. સાંજ સુધી આ ગેટ ખુલ્લો રહે છે. સૂરજ ઢળ્યા પછી તેને ઓળંગવાની હિંમત કોઈ નથી કરતું. અહીંના કથિત ભૂતો દ્વારા એક પરચો તો લગભગ બધાને મળે જ છે. જે પ્રવાસીઓ ‘ચાર પૈડાંવાળી’ ગાડી લઈને આવે છે, તેમની ગાડીઓના કાચ પર કોઈ ભૂલકાનારેતીથીખરડાયેલાં હાથ-પગના પંજાનાનિશાન જોવા મળે છે. અહીં કોઈ પરિવાર નથી રહેતો, તો એક નાનકડા છોકરાના પંજાનો નિશાન કેમ થઇ શકે (એ ‘ભૂત બાળકે’ તો પત્રકારોને પણ નહોતા છોડ્યા ! એક પત્રકાર ટુકડીએ કુલધરામાં ‘નાઈટ આઉટ’ માટે પડાવનાખ્યો હતો, એમની ગાડી પર પણ નાનકડા હાથ-પગની છાપ ઉપસી આવી હતી… ખેર બાળકો તો નાદાન હોય, ભારતીય ‘પત્રકારો’થી ડરવાનું હોય એની એમને શી ખબર !!)
કુલધરામાં પ્રવેશતાં જ એક પ્રકારની બેચેની મહેસૂસ થવા માંડે. એક ઘેરી નિરાશાથી અહીંનું વાતાવરણ ઘેરાયેલું રહે છે. કદાચ પાલીવાલ બ્રાહ્મણોએ ગામ છોડતી વખતે કંઈક આવા જ પ્રકારની નિરાશા મહેસૂસ કરી હશે ! અત્યારે તો ઠેર ઠેર ઝાડી-ઝાંખરાઓ ઉગી નીકળ્યા છે. ગામમાં અનેક કૂવાઓ જોવા મળે છે. જેના પાણીનો ઉપયોગ લોકો પીવા માટે તથા સિંચાઇ માટે કરતા હશે. ઘરોની બનાવટ સાદી હતી. ઘણાખરાં ઘરો તો ખંડેરમાં ફેરવાઈ ગયા છે, પણ અનેક મોટા ઘરો હજી સાબૂત છે. જેમાં સફેદ ચૂનાથી હલકું સુશોભન કરેલું આજે પણ જોઈ શકાય છેઅહીંના બાંધકામ પરથી કહી શકાય કે કુલધરાના નિવાસીઓની રહેણીકરણી સરળ હતી, કારણકે મકાનોમાં સુશોભન અને બાહ્યદેખાવ કરતાં સુવિધાઓને વધુ મહત્વ આપવામાં આવ્યું હતું. (આવો જ ગુણધર્મ હડપ્પા સંસ્કૃતિના મકાનોમાં પણ જોવા મળે છે !)આ બધા મકાનોમાં એક ખાસ અને તાજ્જુબી કરાવે એવું લક્ષણ એ જોવા મળશે કે ગમે એવી સખત ગરમીમાં પણ ઘરોની અંદર બફારાને બદલે શીતળતા જ વર્તાશે. હા પણ તેમના અંધારિયા ખૂણાઓને લીધે મનમાં એક અજ્ઞાત ભય ઉત્પન્ન થાય તો કહેવાય નહીં !
અનેક ઘરોના છૂપા ભોંયરામાં કિંમતી ખજાનો દટાયેલો હોવાનું પણ કહેવાય છે !
કુલધરાવાસીઓના મુખ્ય ભગવાન વિષ્ણુ, અંબાજી તથા ગણેશજી હતા. અહીં અદભુત કોતરણી ધરાવતું કૃષ્ણ ભગવાનનું મંદિર લોકોને પોતાના તરફ આકર્ષે છે. જોકે મંદિરના ગર્ભગૃહમાં મૂર્તિ નથી ! સમયની થપાટોને લીધે મંદિરના શિખરને સાધારણ નુકસાન પહોંચ્યું છે, પણ અંદરથી તે સારી હાલતમાં છે. એ મંદિરથી થોડે જ દૂર એક છતરડી છે. આ છતરડી પાસે ફરવા આવતાં અનેક લોકોને ભૂતોનો અનુભવ થયો છે..!
ગામમાં એક વાવ છે, આ અવાવરુ વાવ અહીંની
સૌથી ડરામણી જગ્યા છે તેમ સૌથી ભૂતિયા પણ ખરી ! એવું કહેવાય છે કે વાવના દિવસે શાંત દેખાતાં પાણી રાતે અલગ જ મિજાજ ધરી લે છે. વાવમાં ડૂબીને અનેક લોકોના મોત થયા છે. સામાન્ય રીતે ડૂબીને મરેલાં લોકોના મૃતદેહ ફૂલીને પાછા સપાટી પર આવી જાય છે, પણ આશ્ચર્યની વાત છે કે અહીં ડૂબનારના મૃતદેહ પાણી પર તરી નીકળવાને બદલે નીચે ગરક થઇ જાય છે !!આ જગ્યાએ પેરાનોર્મલ એક્ટીવીટીના એક્સપર્ટસને ભરપૂર પ્રમાણમાં નેગેટિવ એનર્જીના સ્ત્રોત મળ્યા છે, તેથી અહીં આવનાર લોકોને ગભરામણ થવા માંડે છે, ક્યારેક તેમનું ગળું રૂંધાતુ હોય એવું પણ લાગે.
ગામમાં વિવિધ પાળિયાઓ અને કુલ ત્રણસ્મશાન બનાવવામાં આવ્યા હતાં.જેના પરથી તેમની જીવનશૈલી વિશે અનેક ઐતિહાસિક માહિતી મળી શકી છે. અન્ય જગ્યાઓએ પણ લોકોને સ્ત્રીઓ અને બાળકોના ભૂતો દેખાયા છે ! ઘમ્મર વલોણાનાં અવાજ, પાણી ભરવા જતી સ્ત્રીઓની બંગડીઓ તથા ઝાંઝરનો મધુર રણકાર, છોકરાઓના ખીલખીલાટ કરવાના અવાજો અનેગો ધૂલીના સમયનું ગામનું વાતાવરણ, આ સઘળું બંધ આંખોએ કેટલું મનોહર લાગે ! પણ જયારે આંખ ખોલો અને સામે કોઈ ન હોવા છતાં આવા અવાજ સંભળાયા રાખે તો ? તો તો હનુમાન ચાલીસા જ યાદ આવે !
જેગામ વિશે આટલું બધું રંધાઈ રહ્યું હોય, ત્યાં પત્રકારો ‘હાજર સાહેબ’ ન બોલે એમ કેમ બને ? અનેક જાણીતી સમાચાર ચેનલોના હિંમતબાજોએ ‘ઇન્ડિયન પેરાનોર્મલ સોસાયટી’ના તજજ્ઞો સાથે કુલધરામાં રાતવાસો કર્યો છે. પોતાના હાઇટેક વૈજ્ઞાનિક સાધનો સાથે ભૂતોની હાજરી પકડી છે, અરે તેમની સાથે વાતચીત પણ કરી છે ! આ સાધનો વિધુત ચુંબકીય ક્ષેત્ર અને તેમાં થતી ખલેલ માપી શકે તેવા હોય છે. પેરાનોર્મલ એક્સપર્ટ (પરલૌકિક શક્તિઓના અભ્યાસુઓ) એમ માને છે કે ભૂતો કે આત્માઓ વિજચુંબકીય તરંગો સ્વરૂપે હોય છે, તેથી એવા તરંગો માપી શકે એવા સાધનો ભૂતોની હાજરી પણ ઓળખી શકે ! દરેક વખતે અલગ ચેનલની ટીમ ગઈ, પણ અનુભવ તો બધાને સરખો જ થયો. કોઈ ટીમનાજનરેટરમાં આગ લાગી ગઈ, તો કોઈનું વિડિઓ રેકોર્ડિંગકરવા માટે ઉડેલું ડ્રોન દેખીતા કારણવગરજ તૂટી પડ્યું. કેમેરા અને લાઇટોમાં ખરાબી તોઅહીં સામાન્ય છે ! આટલી બધી અડચણો છતાં પોતાનાથી બનતી બધી તપાસ કરીને જે ટીમ પાછી ફરે એને કશુંક નવું હાથ લાગે છે, જે હંમેશા ચોંકાવનારું હોય છે.
અત્યારસુધીપ્રાપ્તથયેલા સબૂતો બે સૈકા જૂના રહસ્ય પરથી પડદો ઉઠાવવામાટેઅપૂરતાંછે ! ભવિષ્યમાં પણ શક્યતા ધૂંધળી છે, કારણકે કોઈક છે જે કુલધરાનું રહસ્ય છતું થાય એમ નથી ઇચ્છતું ! કોણ છે એ તો નથી ખબર, પણ હા એટલું ચોક્ક્સ કે એ શક્તિ માનવીય પહોંચથી પરે છે !!
દેશ-વિદેશથી હજારો સહેલાણીઓ દર વર્ષે અહીં આવે છે, પાલીવાલ બ્રાહ્મણોની ભવ્ય સભ્યતાના અવશેષોની ઝલક મેળવે છે અને ક્યારેક અમુક વિચિત્ર અનુભવો પણ વળતી વખતે સાથે લઇ જાય છે. રાજસ્થાન જાઓ અને સમય હોય, તો અહીં જવા જેવું ખરું. ભૂતિયા છે એટલે નહીં, પણ એક દીકરીની ઈજ્જત માટે આવડું મોટું બલિદાન આપનારી એ પ્રજા કેટલી વિકસિત અને સમૃદ્ધ હતી એ જોવા માટે ! આપણા વર્તમાન સમાજ માટે દ્રષ્ટાંત સાથે એ ગામનો ઇતિહાસ એક છૂપી થપ્પડ પણ છે, જે હર પળે આપણાં કહેવાતા નારીસશક્તિકરણની દંભી ભવાઈને વાગતી રહે છે… જોકે બધાને આ લાગુ નથી પડતું એટલે મન પર ન લેતાં.
જામનગરની પ્રજાએ કુંવર અજાજીના મૃત્યુનો શોક અઢીસો વર્ષ પાળીને રાજભક્તિ દર્શાવી..
राजस्थान के जैसलमेर में एक ऐसा स्कूल है, जो दुनियाभर से तारीफें बटोर रहा है.
Comments
Post a Comment