સાડા ચારસો વર્ષ પહેલા ધ્રોલ નજીક ભૂચર મોરી મેદાનમાં જામનગરના રાજવી જામસતાજી અને અકબરના સૈન્ય વચ્ચે ખેલાયેલું યુધ્ધ દેશના સર્વકાલિન મહાન યુધ્ધોમાં સ્થાન પામી ચૂક્યું છે.
વિક્રમ સંવત 1629માં બાદશાહ અકબર ગુજરાતના છેલ્લાં સુલતાન મુઝફ્ફર શાહ ત્રીજાને પરાજય આપ્યો. ભાગી છૂટેલા મુઝફ્ફરશાહને જામસતાજીએ બરડાના ડુંગરમાં આશરો આપતા અકબરનો ગુજરાતનો સુબો મુરઝા અઝિઝ લશ્કર લઇને જામનગર જવા નીકળ્યો. પણ, જામસતાજીના સૈન્યએ રસ્તામાં જ તેને આંતર્યું. અકબર આ પરાજયને પચાવી શક્યો નહીં. તેણે દિલ્હીથી હજારો સૈનિકોની ફોજ મોકલી. જામસતાજીએ તેને ભૂચર મોરી ખાતે આંતર્યું. 3 મહિના સુધી સામ-સામા હુમલા ચાલુ રહ્યા.
અંતે અકબરનું સૈન્ય થાક્યું. જામસતાજીને સમાધાનની મંત્રણા માટે કહેણ મોકલ્યું. જામસતાજીનો આ વિજય હતો. પણ, એ યુધ્ધમાં તેમની સાથે રહેલા જૂનાગઢના નવાબ દોલતખાન અને કુંડલા કાઠી ખુમાણના પેટમાં તેલ રેડાયું.
જામનગરના રાજવી હીરો બને એ એમને પસંદ નહોતું. બન્નેએ દગો કર્યો, ખાનગીમાં બાદશાહ સાથે મળી ગયા. એ તકનો લાભ લઇ બાદશાહે મંત્રણા ફોક કરી. ફરી યુધ્ધ જામ્યું. બાદશાહના વિશાળ મોગલ સૈન્ય સામે ક્ષત્રિય નરબંકાઓએ અદ્દભુત શૌર્ય દાખવ્યું. મોગલ સૈનિકોના માથાં ધડાધડ પડવા લાગ્યા. મોગલ સેનામાં ભંગાણ પડ્યું. પણ, ત્યારે ટાંકણે જ દોલતખાન અને કાઠી ખુમાણે પાટલી બદલી. દગો થયો. પણ, રણબંકાઓએ ભૂચર મોરીની ધરાને મોગલોના રક્તથી રંગી નાખી.બરાબર એ જ સમયે જામનગરના પાટવી કુંવર અજાજીના લગ્ન હતા. એ મરદ મિંઢોળબંધો રણશૂરો 500 જાનૈયાઓને લઇને લગ્નમંડપમાંથી સીધો રણમેદાનમાં પહોંચ્યો.
મોગલોના માથાં વાઢતા-વાઢતા કુંવર શહીદ થયા. કુંવર અજાજી શહીદ થતાં તેમના રાણી યુધ્ધમેદાનમાં પહોંચ્યા. કુંવરનું માથું ખોળામાં રાખી સતી થયા.
એ દિવસ હતો વિક્રમ સંવત 1648ની શ્રાવદ વદ-સાતમનો. ઇતિહાસના પાને અમરત્વ પામનાર એ મહાન યુધ્ધનો તે દિવસે અંત આવ્યો. દર વર્ષે એ દિવસે રાજપૂત સમાજ દ્વારા ભૂચર મોરી મેદાનમાં એ મહાન શહીદોને ભવ્ય શ્રધ્ધાંજલિ આપવામાં આવે છે.
યુધ્ધ પરથી મેઘાણીએ રચી કૃતિ ‘સમરાંગણ’
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ ભૂચર મોરીના મેદાનની મુલાકાત લીધા બાદ તે યુધ્ધ પરથી ‘સમરાંગણ’ કૃતિની રચના કરી હતી. તેમણે નોંધ્યું હતું “આ કેવળ સંહારભૂમિ નથી, ભૂચર મોરીનું એ પ્રેતસ્થાન માનવતાના સદ-અસદ, આવેશોની લીલાભૂમિ છે. ‘સમરાંગણ’ એક જ મહિનામાં ચાલુ કામ સાથે પૂરી કરેલી. જેવી હો તેવી, મને તો મારા અંતરની અંદર સંઘરાયેલી કવિતા જેવી હતી...”
Comments
Post a Comment