Skip to main content

BHUJ - જ્યારે કચ્છની મહિલાઓએ રાતોરાત રનવે બનાવ્યો

 3 ડિસેમ્બર 1971ના રોજ સાંજે 05:40 વાગ્યે પાકિસ્તાની વાયુસેનાનાં સૅબર જેટ અને સ્ટાર ફાઇટર વિમાનો ભારતીય આકાશ પર ગરજવાં લાગ્યાં.


પાકિસ્તાનના હવાઈ હુમલા બાદ રનવેનું સમારકામ કરી રહેલી મહિલાઓ (સૌ. કચ્છમિત્ર)

પઠાનકોટ, શ્રીનગર, અમૃતસર, જોધપુર અને આગ્રાનાં સૈન્ય હવાઈમથકો પર બૉમ્બ વરસવવા લાગ્યા એટલે ભારત પાસે યુદ્ધમાં ઝંપલાવવા સિવાય અન્ય કોઈ વિકલ્પ ન રહ્યો.


ભારતની પૂર્વ સરહદે યુદ્ધ ફાટી નીકળ્યું હતું અને ભારતને ભીડવવા પાકિસ્તાને પશ્ચિમ સરહદ પર પણ હુમલો કરી દીધો.


પાકિસ્તાનના સૅબર જેટ વિમાનો કચ્છમાં નેપામ પ્રકારનાં બૉમ્બ વરસાવવાં લાગ્યાં. એકલા ભુજના ઍરપૉર્ટ પર 63 બૉમ્બ ફેંકાયા અને રનવેને તહસનહસ કરી નખાયો.

એ વખતે પાકિસ્તાને ભુજ ઍરપૉર્ટ (જે સૈન્ય ઍરબૅઝ પણ હતો)નો રનવે તબાહ કરી નાખ્યો હતો. ઍરસ્ટ્રિપ વચ્ચે મોટો ખાડો પડી ગયો હતો. જો રનવેનું સમારકામ કરવામાં ન આવે તો ભારતીય વિમાનો માટે ઊડવું શક્ય બને નહીં.


આ પહેલાં ક્યારેય આવી સ્થિતિ સર્જાઈ નહોતી એટલે આવી પરિસ્થિતિમાં કઈ રીતે કામ લેવું એવો અનુભવ પણ કોઈ પાસે નહોતો.


આખરે ભુજ હવાઈમથકના એ વખતના ઍરફોર્સ કમાન્ડર વિજય કર્ણિકે કચ્છ કલેક્ટર પાસે મદદ માગી. ભારતના પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર એન. ગોપાલાસ્વામી એ વખતે કચ્છના કલેક્ટર હતા.


તેમણે ઍરસ્ટ્રિપના સમારકામ માટે માનવબળ પૂરું પાડવાની જવાબદારી ઉપાડી લીધી.


બીબીસી સાથેની વાતચીતમાં એન. ગોપાલાસ્વામી જણાવે છે, "8મી ડિસેમ્બરની રાતે અને 9મી ડિસેમ્બરની સવારે પાકિસ્તાની વાયુસેનાએ ચાર વખત હવાઈ હુમલા કર્યા હતા અને ઍરસ્ટ્રિપને તબાહ કરી નાખી હતી."


"એ વખતના ભુજના ઍરફોર્સ ઇન્ચાર્જ વિજય કર્ણિકે મારી પાસે માનવબળ પૂરું પાડવા મદદ માગી એટલે મેં નજીકમાં આવેલા માધાપર ગામના સરપંચ વી. કે. પટેલને આ અંગે જાણ કરી."


"સરપંચને જાણ કરી, એના ગણતરીની કલાકોમાં લોકો એકઠા થઈ ગયા. જેમાંથી મહિલાઓને રનવેના સમારકામની કામગીરી સોંપાઈ."

"સરપંચે આ અંગે માધાપરનાં પંચાયતસભ્ય સુંદરબહેન જેઠાભાઈ માધાપરિયાને ગામની મહિલાઓને એકઠાં કરવાનું કામ સોંપ્યું હતું."


"જે બાદ બીજા દિવસ સવારે માધાપરની બહેનો નજીકના ગામ વથાણમાં એકઠી થઈ, અહીંથી તેમને ભુજ ઍરપૉર્ટ પર લઈ જવામાં આવ્યાં."


"એ 300 કરતાં વધુ બહેનો હતાં અને બાંધકામમાં નિપુણ હતાં. પાવડા, ધમેલા જેવાં સાધનો પણ ઘરેથી સાથે લઈને કામ પર આવ્યાં હતાં."


ઍરપૉર્ટના અધિકારીઓએ મહિલાઓને બને એટલી જલદી હવાઈપટ્ટીનું સમારકામ કરી આપવા જણાવ્યું, સાથે જ કામ દરમિયાન રહેલાં જોખમો અંગે પણ જાણકારી આપી.


ઍરપૉર્ટ પર પાકિસ્તાનના હવાઈ હુમલાનું જોખમ હજું ટળ્યું નહોતું, એટલે હુમલાની આશંકાને પગલે ગમે ત્યારે સાયરન વાગતું હતું.

મહિલાઓ હવાઈપટ્ટીના સમારકામમાં લાગી ગઈ. સમારકામ દરમિયાન ગમે ત્યારે જોખમ ઊભું થતું અને સાયરન વાગવા લાગતું.


એ મહિલાઓ દોડીને બાવળનાં ઝાડ તળે છુપાઈ જતાં હતાં અને જેવું જ સાયરન બંધ થાય કે ફરીથી કામે વળગી જતાં હતાં.


યુદ્ધના એ માહોલમાં મોતનો સતત ભય તોળાઈ રહ્યો હતો, ગમે ત્યારે પાકિસ્તાની યુદ્ધવિમાનો ત્રાટકી શકે એમ હતાં. આવાં જોખમ વચ્ચે એ મહિલાઓએ માત્ર ત્રણ દિવસમાં જ હવાઈપટ્ટી તૈયાર કરી દીધી.


ભુજના ઍરપૉર્ટની હવાઈપટ્ટી ફરીથી તૈયાર થઈ ગઈ, ભારતીય વાયુસેનાનાં વિમાનો ફરીથી ભુજ ઍરપૉર્ટથી ઉડાણ ભરવાં લાગ્યાં હતાં.


ઇતિહાસમાં ભાગ્યે જ નોંધાઈ હોય એવી બહાદુરીની આ ઘટનાના એક અઠવાડિયામાં જ પાકિસ્તાને હાર સ્વીકારી લીધી.

90 હજારથી વધુ પાકિસ્તાની સૈનિકોએ પૂર્વ સરહદ પર આત્મસમર્પણ કર્યું અને બાંગ્લાદેશ નામે એક નવા રાષ્ટ્રનો પૃથ્વીનાં નકશા પર ઉદય થયો.


યુદ્ધ પૂરું થયું, એ વખતે ગુજરાતના રાજ્યપાલ ડૉ. શ્રીમન નારાયણે માધાપરની મુલાકાત લીધી અને તેઓ આ મહિલાઓને રૂબરૂ મળ્યા.


તેમણે ગામના વિકાસ માટે રૂપિયા 50 હજાર પણ આપ્યા, જેમાંથી માધાપર ગ્રામપંચાયત કચેરી ખાતે 'વીરાંગનાભવન' તૈયાર કરાયું.


માધાપર ગામની મહિલાઓની આ શૌર્ગાથાને એ વખતના ઍર ચીફ માર્શલ પી. સી. લાલે પણ બિરદાવી હતી, તેમણે ભેટ સ્વરૂપે જેટ વિમાનની પ્રતિકૃતિ પણ આપી હતી.


વર્ષ 2015માં એ વખતના કેન્દ્રીય સંરક્ષણમંત્રી મનોહર પરિકર તેમજ કેન્દ્રીય માનવસંસાધન વિકાસમંત્રી સ્મૃતિ ઈરાનીએ માધાપરમાં વીરાંગનાસ્મારક ખુલ્લું મૂક્યું હતું.


એન. ગોપાલાસ્વામી આ ઘટનાને યાદ કરતાં જણાવે છે, "કચ્છ ખમીરવંતો પ્રદેશ છે અને એટલે જ મહિલાઓએ કરેલી એ કામગીરી મને બિલકુલ અજુગતી નહોતી લાગી."

કચ્છનું સફેદ રણ

Comments

Popular posts from this blog

રોજગાર સમાચાર - કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૨

રોજગાર સમાચાર - કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૨