Skip to main content

દેશના 12 જ્યોતિર્લિંગમાં સામેલ સોમનાથ મંદિર

 




ગુજરાતના કાઠીયાવાડમાં આવેલું સોમનાથ મંદિર ફક્ત દેશ જ નહીં પરંતુ સમગ્ર દુનિયામાં પોતાની આગવી ઓળખ બનાવી ચૂક્યું છે. દેશના 12 જ્યોતિર્લિંગમાં સામેલ સોમનાથ મંદિરનો ઉલ્લેખ શિવપુરાણમાં પણ જોવા મળે છે. આ મંદિર ગુજરાતને પર્યટનના નકશામાં અવ્વલ બનાવવા માટે પણ જાણીતું છે. રાજ્યની અર્થ વ્યવસ્થાને પણ મજબૂતી આપવામાં સોમનાથ મંદિરનો મહત્વનો ફાળો છે.


દર વર્ષે સામાન્ય માનવીથી લઇને સેલિબ્રિટી સુધીના લોકો અહીંયા દર્શનાર્થે આવે છે. અમેરિકન તપાસ એજન્સી એફબીઆઇના કહેવા પ્રમાણે સંદિગ્ધ આતંકવાદી ડેવિડ હેડલી અને તહવ્વુર રાણાની મદદથી લશ્કરે તોઇબાએ આ મંદિર પર હુમલો કરવાની યોજના પણ બનાવી હતી.


ઇતિહાસ સાક્ષી છે કે સોમનાથ મંદિરને વર્ષ 1024માં મહમુદ ગઝનવીએ તોડી પાડ્યું હતું. ગઝનવીએ શિવલીંગને નુકસાન પહોંચાડી મંદિરને ભેટ અપાયેલા સોના-ચાંદીના દાગીનાની લૂંટ કરી હતી. ગઝનવીએ શિવલીંગને તોડવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ શિવલીંગ ન તૂટતા તેણે મંદિર ફરતે આગ લગાવી દીધી હતી. ગઝનવીના આક્રમણ બાદ સોમનાથ મંદિર એક ખંડેર જેવું બની ગયું હતું. આ ઘટના પછી રાજા ભીમદેવ અને વર્ષ 1093માં સિદ્ધરાજ જયસિંહે આ મંદિરના જીર્ણોદ્ધારમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ઇ.સ. 1297માં ફરી એકવાર અલ્લાઉદ્દીન ખીલજીએ સોમનાથ મંદિર પર આક્રમણ કર્યું હતું. આ ઘટના બાદ ઇ.સ. 1413માં અહમદશાહ બાદશાહે પણ મંદિરને તોડીને તેની સંપત્તિ લૂંટી લીધી હતી.


આઝાદી પછી દેશના પ્રથમ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદે અનેક આક્રમણો સહન કરનાર આ સોમનાથ મંદિરની ભવ્યતા પાછી લાવવા માટે તેનું પૂન: નિર્માણ કરાવ્યું. આ મંદિરના જીર્ણોદ્ધારમાં સરદાર વલ્લભભાઇ પટેલ અને સૌરાષ્ટ્રના તત્કાલિન મુખ્યમંત્રી ઉચ્છંગરાય ઢેબરની પણ મહત્વની ભૂમિકા રહી હતી. ઇ.સ. 1951માં મંદિરમાં જ્યોતિર્લિંગની પ્રાણપ્રતિષ્ઠા કરાઇ હતી. મંદિરના પૂન: નિર્માણ વખતે તત્કાલિન રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્રપ્રસાદે કહ્યું હતું, “સોમનાથ હિન્દુઓની શ્રદ્ધાનું કેન્દ્ર છે. શ્રદ્ધાના પ્રતીકનો કોઇએ વિધ્વંશ કર્યો તો પણ શ્રદ્ધાનો સ્ફૂર્તિસ્ત્રોત નષ્ટ નથી થઇ શકતો. આ મંદિરના પૂન: નિર્માણનું અમારૂં સ્વપ્ન સાકાર થયું છે. તેનો આનંદ અવર્ણનીય છે.”


દક્ષના શ્રાપમાંથી મુક્ત થવા માટે ચંદ્રએ સોમનાથ મંદિરમાં તપ કર્યું હતું. તપ બાદ ભગવાન શિવની કૃપાથી ચંદ્રને ક્ષયના રોગમાંથી મુક્તિ મળી હતી. તેના પ્રભા પાછી ફરતા અને દરરોજ ઉદય અને અસ્ત થવાથી આ વિસ્તારનું નામ પ્રભાસપાટણ પડ્યું હોવાની માન્યતા છે. ભગવાન શંકરે કામદેવને ભસ્મ કરી નાંખ્યા બાદ રતિએ સોમનાથ મંદિરમાં જ તેને અનન્ગરૂપે મેળવ્યા હતા.


મંદિરની દક્ષિણ બાજુએ સમુદ્રકિનારે એક સ્તંભ છે. તેના પર એક તીર રાખવામાં આવ્યું છે. જેનો સંકેત છે કે સોમનાથ મંદિર અને દક્ષિણ ધ્રુવ વચ્ચે પૃથ્વીનો કોઇ ભાગ નથી.

હમીરજી ગોહિલ.

આ તીર્થ પિતૃઓના શ્રાદ્ધ, નારાયણ બલી અને બીજા કર્મકાંડો માટે પણ પ્રખ્યાત છે. ચૈત્ર, ભાદરવા અને કાર્તિક માસમાં અહીંયા શ્રાદ્ધ કરવાનું વિશેષ મહત્વ છે. અહીંયા ત્રણ નદીઓ હિરણ, કપીલા અને સરસ્વતીનો મહાસંગમ થાય છે. જેમાં સ્નાન કરવાનું પણ વિશેષ મહત્વ છે. આ પવિત્ર મંદિર સુધી જવા માટે અનેક વિકલ્પો મળી રહે છે. આ મંદિર અમદાવાદથી 415 કિ.મી. ગાંધીનગરથી 445 કિ.મી. અને જૂનાગઢથી અંદાજે 85 કિ.મી. દૂર છે. આ દરેક જગ્યાએથી સીધા જ સોમનાથ મંદિર જવા માટેની સુવિધા ઉપલબ્ધ છે. આ ઉપરાંત રાજકોટથી લોકલ ટ્રેનની પણ સુવિધા ઉપલબ્ધ છે.


11 મે 1951 ના દિવસે સોમનાથ મહાદેવની પ્રાણપ્રતિષ્ઠા થઇ હતી.

Comments

Popular posts from this blog

રોજગાર સમાચાર - કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૨

રોજગાર સમાચાર - કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૨